મહામારી; વિષૂચિકા; ઝાડા અને ઉલટીનો એક રોગ; ગંદા પાણીમાં થતા એક જાતના જંતુ શરીરમાં દાખલ થવાથી આ રોગ થાય છે. આ રોગ સહેલાઈથી પ્રસરતો અને ભયંકર છે. તેમાં ઝાડા અને ઉલટી સાથે શરીરમાં ગોળા ચડે છે; પેશાબ થતો બંધ પડે છે; શરીર ઠંડુ પડી જઈ કાળાશ મારે છે અને નાડી બંધ પડી જઈ અને બેચેની ઉત્પન્ન થઈ દરદીનું મૃત્યુ થાય છે; ઝાડો પાતળો ચોખાના ધોણ જેવો થાય છે અને પેશાબ પણ પાણી જેવો ઉતરે છે; હાથ પગમાં કોઈ વાર ગોટલા ચડી આવે છે; સ્નાયુના ખેંચાણથી શરીર લાકડા જેવું અક્કડ થઈ જાય છે; એ રોગ થવાનું મૂળ કારણ અજીર્ણ છે.