અવળું
- વિશેષણ
- અકોણું; અવળાઈ કરે એવું; જિદ્દી; મમતી.
- વ્યુત્પત્તિ: [સંસ્કૃત] = અ ( નહિ ) + વલ્ ( ખેંચાવું )
- અઘટિત; ખોટું; માઠું. જેમકે, આજે ગામમાં બહુ અવળું થઈ ગયું.
- આડું; સન્મુખ નહિ એવું.
- ઊલટું; ઊંધું; વિરુદ્ધ.
- ઉદાહરણ 1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ (overall work in Gujarati), page ૧૪૯:
- “સરકારને બારડોલીના મુદ્દાનો અવળો અર્થ કરવાની તક મળે એ શ્રી. વલ્લભભાઈ કોઈ કાળે થવા દે એમ નહોતું.”
- વિપરીત; પ્રતિકૂળ; મુશ્કેલ.
- અકોણું; અવળાઈ કરે એવું; જિદ્દી; મમતી.
- રૂઢિપ્રયોગ
- ૧. અવળા પાટા દેવા બંધવા = ( ૧ ) ઊલટે રસ્તે ચડાવવું; ખોટું કહી માર્ગ ભુલાવવો. ( ૨ ) મુદ્દેસર વાત ઠસાવવાને બદલે અવળું એટલે ખોટું સમજાવી ભમાવવું.
- ૨. અવળા પાસા પડવા = ( ૧ ) ધાર્યા પ્રમાણે ન થવું; ઊલટું થવું; કરેલી યુક્તિ પાર ન પડવી. ( ૨ ) સવળું કરવા જતાં ઊલટું થઈ પડવું; ફાયદો કરતાં નુકસાન થવું.
- ૩. અવળા પૂજેલા = પરમેશ્વરની ખોટી પૂજા કરેલી એટલે પૂર્વ જન્મે પાપ કરેલાં; જોઈએ તેવી રીતે પૂર્વે પુણ્ય કર્મ નહિ કરેલાં.
- ૪. અવળાનું સવળું કરવું = ખરે રસ્તે લાવવું; ખરાબ કર્યું હોય તેના બદલામાં સારૂં કરવું.
- ૫. અવળાનું સવળું થવું = ખરાબ કરતાં સારૂં થવું.
- ૬. અવળી ખોપરીવાળું = ( ૧ ) ઊંધાં કામ કરનાર. ( ૨ ) માથાનું ફરેલ.
- ૭. અવળી પાઘડી બાંધવી-મૂકવી = ( ૧ ) ઊંધી પાઘડી પહેરવી; પાછળ રાખવાની બાજુ આગળ રાખી પાઘડી પહેરવી. ( ૨ ) દિવાળું કાઢવું; પાઘડી ફેરવવી; ફરી જવું. ( ૩ ) બાજુ બદલવી. ( ૪ ) બોલેલું ફેરવવું = વચન ન પાળવું; બોલ્યું અબોલ્યુ કરવું.
- ૮. અવળું કરવું – કરી નાખવું = ( ૧ ) પાયમાલ કરવું; નાશ કરવો. ( ૨ ) ફેરવવું; અંદરનું બહાર ને બહારનું અંદર કરવું. ( ૩ ) બગાડવું; નુકસાન કરવું; ઊલટું કરવું.
- ૯. અવળું મોં કરવું = ( ૧ ) કોઈને જોઈને મોં ફેરવવું; ધિક્કાર બતાવવો. ( ૨ ) રિસાવું; કમન બતાવવું.
- ૧૦. અવળું વેતરવું = ધાર્યા કરતાં ઊલટું કહેવાઈ જવું; આંધળે બહેરૂં કુટાવું.
- ૧૧. અવળે અસ્તરે મૂંડવો = ભીખ માગતો કરવો; મૂંડી નાંખવો; બહુ ખર્ચ કરાવવું.
- ૧૨. અવળે પાને ચૂનો દેવડાવવો = મરજી વિરુદ્ધ કામ કરાવી કનડવું; સંતાપવું; ઊલટું કાર્ય કરાવવું અને પછી તેનો વાંક કાઢવો.
- ૧૩. અવળે મોઢે પડવું = ( ૧ ) માંદા પડવું. કોઈનું કહેલું ન માનવાથી, કાંઈ હદ ઉપરાંત કામ કરવાથી માંદા પડાય છે ત્યારે આ શબ્દ કટાક્ષમાં વપરાય છે. ( ૨ ) મોં નીચે ને પીઠ ઉપર એમ ઊંધે મોંએ પડવું.
- ૧૪. અવળો આંક લખવો = નસીબ ઊલટું ઘડાવું; નસીબના લેખ અવળા હોવા.
- ૧૫. આડુંઅવળું = ( ૧ ) આમતેમ. ( ૨ ) આસપાસ; ચોતરફ; બધી બાજુએ.
- ૧૬. આડુંઅવળું વહેરતું કાશીનું કરવત = બંને બાજુથી લાભ મેળવે તેવું માણસ.
- ૧૭. પ્રભુને અવળે હાથે પૂજેલા = ( ૧ ) કાર્ય કરેલું પણ કમને કરેલું તેથી ફળ ન મળ્યું એમ. ( ૨ ) પાપ કરેલાં.
- ૧૮. સારૂં કરતાં અવળું થવું = ફાયદો કરતાં નુકસાન થવું; સારૂં કરવા જતાં ખરાબ થવું.
- ૧૯. અવળા દાવ = ઊલટું થવાપણું.